રશિયાનું સુપરસોનિક ફાઇટર જેટ SU-34 લેન્ડિંગ દરમિયાન 9 માળની રહેણાંક ઇમારત સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. સોમવારે રાત્રે થયેલા આ અકસ્માતમાં 3 બાળકો સહિત 13 લોકોના મોત થયા છે. 19 થી વધુ ગંભીર રીતે ઘાયલ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફાઇટર જેટે રૂટિન ટ્રેનિંગ માટે એરફિલ્ડ પરથી ઉડાન ભરી હતી. તેનું એક એન્જિન લેન્ડિંગ પહેલા બગડ્યું હતું. અકસ્માતનું આ જ કારણ માનવામાં આવે છે. બંને પાયલોટ છેલ્લી ઘડીએ પેરાશૂટ સાથે જેટમાંથી કૂદી પડ્યા હતા. બંને સુરક્ષિત છે. આ અકસ્માત એઝોવ સમુદ્રને અડીને આવેલા રશિયાના યાસ્ક શહેરમાં થયો હતો.
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં વિમાન બિલ્ડીંગ સાથે અથડાતા જ ભયાનક વિસ્ફોટ જોવા મળે છે.