રાજકોટ શહેરમાં ફૂડ પેકેટમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે. શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી એક ગ્રાહકે ઇન્સ્ટન્ટ ખીર બનાવવા માટેનો પાવડર ખરીદ્યો હતો. જોકે, તેમાંથી જીવાત નીકળતા ગ્રાહક રોષે ભરાયા હતા. એક્સપાયરી ડેટ પૂર્ણ ન થઈ હોવા છતાં પાવડર પડતર નીકળતા ગ્રાહકે વેચાણ કર્તા સામે રોષ ઠાલવ્યો હતો. શહેરમાં વાસી અખાદ્ય ખોરાક વચ્ચે તૈયાર ફૂડ પેકેટસ પણ અખાદ્ય હોવાનું સામે આવ્યુ છે. જેને લીધે ગ્રાહકોએ ચેતવું ખૂબ જ જરૂરી બની ગયું છે.
શહેરમાં રહેતા હિમા વિકમાએ જણાવ્યું હતું કે, અમે ગત મહિને સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી MTRનું વર્નીસિલ પેકેટ લીધું હતું. આજે ખીર બનાવવા માટે તે પેકેટ ખોલ્યું તો તેમાંથી નાની જીવાત અને ધનેડા નીકળ્યા અને તે પેકેટની એક્સપાયરી ડેટ જોઈ તો તે સપ્ટેમ્બર મહિનાની હતી. એટલે કે આ એક્સપાયરી ડેટને પૂર્ણ થવામાં દોઢ માસનો સમય બાકી છે. આ પ્રકારના બિન આરોગ્યપ્રદ પેકેટથી આરોગ્ય જોખમાઈ તેવી પૂરી ભિતી હતી. જોકે, પેકેટ ખોલ્યા બાદ ધ્યાનથી જોતા જીવાત નજરે ચડી હતી.