ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિના ફૂટબોલનું નવું કિંગ બની ગયું છે. તેણે 3-3ની બરાબરી બાદ રવિવારે મોડી રાત્રે પેનલ્ટી શૂટઆઉટમાં અગાઉના વર્લ્ડ કપ વિજેતા ફ્રાંસને હરાવ્યું હતું. આર્જેન્ટિના 36 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.
આર્જેન્ટિનાએ ફાઈનલ મેચની શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું. મેસ્સીએ પ્રથમ ગોલ પેનલ્ટીના આધારે કર્યો હતો. બીજો ગોલ એન્જલ ડી મારિયાએ કર્યો હતો. પરંતુ બીજા હાફમાં કિલિયન એમબાપ્પે કિલર સાબિત થયો હતો. તેણે માત્ર 97 સેકન્ડમાં બે ગોલ કરીને ફ્રાન્સને વાપસી કરાવી હતી. ત્યારબાદ મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી. પ્રથમ 15 મિનિટમાં કોઈ ગોલ થયો ન હતો, પરંતુ પછીની 15 મિનિટમાં મેસીએ ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2ની લીડ અપાવી હતી. ત્યાર બાદ એમબાપ્પેએ પેનલ્ટી વડે મેચ 3-3થી બરાબરી કરી હતી. આખરે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાનો વિજય થયો હતો. આ સાથે ફૂટબોલમાં યુરોપનો જાદુ પણ 20 વર્ષ બાદ તૂટી ગયો છે. ટ્રોફી યુરોપની બહાર ગઈ છે.