દાહોદ જિલ્લામાં વડીલોપાર્જિત જમીનો માટે એકબીજા ઉપર હુમલા સાથે મામલતદાર, પ્રાંત અને કોર્ટમાં કેસો થવાની ઘટનાઓ આંતરે-તીસરે જોવા મળે છે. પરંતુ ઝાલોદ તાલુકાના એક પરિવારે વડીલોપાર્જિત મિલકતના વેચાણમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના ચરિતાર્થ કરી છે. કારણ કે જે વડીલોપાર્જિત જમીનનું વેચાણ કરવાનું હતું, તેની કિંમત માત્ર રૂ. 7.70 લાખ હતી પરંતુ આ જમીનમાં પરિવારના 60 લોકોનાં નામ હતાં, જેમાં બહેનો અને ભત્રીજીઓ તો દાહોદ જિલ્લાની સાથે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પરણાવાઈ હતી.
પરિવાર દ્વારા જમીન વેચાણના નિર્ણય બાદ તમામને જાણ કરવા અને એક જ તારીખે ભેગા કરવામાં 20 દિવસનો સમય લાગ્યો હતો. અંતે જમીનના સોદા બાદ દસ્તાવેજનો દિવસ આવતાં જમીનની નકલમાં નામ હતા, તે તમામ 60 લોકો ગાડીઓમાં સવાર થઇને ઝાલોદની સબ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા હતાં. નકલમાં 60 લોકોનાં નામ હોવાથી સરકારી નિયમ મુજબ તમામ લોકોનું સબ રજિસ્ટ્રાર રૂબરૂ વીડિયો રેકોર્ડિંગ કરવાનું હોય છે. દસ્તાવેજની પ્રક્રિયા માટે પરિવારના લોકોની ફરજિયાત ઉપસ્થિતિ જરૂરી બની જાય છે. ત્યારે નકલમાં ઉલ્લેખિત નામોના લોકો કચેરી ખાતે નિયત દિવસે સવારે 11 વાગ્યાના પહોંચી ગયા હતા.