હીટવેવની અસરથી છેલ્લાં ત્રણ દિવસથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઊંચકાયો છે. રવિવારે સમગ્ર રાજ્યમાં 45.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું. અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો. જેને પગલે લોકોઅે દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી 4 દિવસ રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના આંકડાઅો મુજબ, રવિવારે સવારથી શરૂ થયેલાં ગરમ સુકા પવનોની અસરથી વહેલી સવારથી જ ગરમીનું જોર વર્તાયુ હતું. તેમજ દિવસના 10 વાગ્યાથી જ આકાશમાંથી જાણે અગન જવાળાઓ જમીન તરફ આવતી હોય તેવી અકળાવી નાંખતી ગરમી શરૂ થતાં લોકો રીતસરના શેકાયા હતા. સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર-45.3, ડીસા 45.1 અને અમદાવાદમાં 44.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આમ, રાજ્યના 10 શહેરોમાં પારો 44 ડિગ્રીથી વધુ જયારે અન્ય 4 શહેરોમાં પારો 41થી 43 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનું જોર સવારથી મોડી રાત સુધી યથાવત રહેતાં બપોરના સમયમાં રસ્તાઓ પર વાહનની પાંખી હાજરી જોવા મળી હતી. તેમજ મોડી સાંજ સુધી ગરમી અને બફારો યથાવત રહેતાં લોકો પરસેવે રેબઝેબ થયાં હતા.