ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ગામમાં માતાએ પોતાના બે બાળકો સાથે કૂવામાં મોતનો ધુબાકો માર્યો હતો. કૂવાના પાણીમાં ડૂબી જતાં ત્રણેના મોત થતાં પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. મહિલાએ આ અવીચારી પગલું કયા કારણોસર ભર્યુ તે જાણવા મળ્યું નથી. ઘટના મામલે સુખસર પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ગામના મંદિર ફળિયામાં રહેતા કલ્પેશભાઈ માનસિંગભાઈ મછારના લગ્ન પાંચેક વર્ષ અગાઉ રાજસ્થાન આનંદપુરીના ચીખલી ગામે કવિતાબેન સાથે સમાજના રિવાજ મુજબ થયા હતાં.
સુખી સંસારના પરિપાક રૂપે દંપતિને સંતાનમાં એક પુત્ર નામે પ્રિયાંશ કલ્પેશભાઈ મછાર ઉ.વ.2 તથા એક પુત્રી નામે પ્રિયાબેન કલ્પેશભાઈ મછાર ઉ.વ.4 હતા. કલ્પેશભાઈ તથા કવિતાબેનનો ઘર સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો. મંગળવારે કવિતાબેન ઘરેથી બપોરના 12 વાગ્યાના અરસામાં ખેતરમાં જવાનું કહીને બે બાળકો સાથે નીકળ્યા હતા. કોઇ અગમ્ય કારણોસર ઘરથી 500 મીટર દૂર આવેલા કુવામાં આ બંને બાળકો સાથે કવિતાબેને મોતનો ભુસકો માર્યો હતો. પાણીમાં પડવાનો અવાજ આવતાં થોડે દૂર કામ કરતી જેઠાણી કૂવા પાસે ધસી આવી હતી.
કૂવાની કીનાર પાસે કવિતાના ચપ્પલ જોવા મળ્યા હતાં. પ્રિયાંશ પાણી ઉપર જોવાતા બૂમાબૂમ કરતી જેઠાણીએ દોડી જઇને ઘરે આ ઘટનાની જાણ કરી હતી. બનાવ પગલે દોડી આવેલા લોકોએ કૂવામાં મોટરની પાઇપ ઉપર પડેલા પ્રિયાંશને અંદરથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે તેના ધબકારા ચાલતાં હોવાનું જણાતા તેને દવાખાને ખસેડાયો હતો પરંતુ તેનું રસ્તામાં જ મોત થઇ ગયુ હતું.
બનાવની જાણ કરાતા ઝાલોદ ફાયર બ્રિગેડને જાણ કરાતા કવિતા અને પ્રિયાબેનની લાશ કૂવામાંથી શોધી કાઢવામાં આવી હતી. કવિતાબેને આ અવીચારી પગલું કયા કારણોસર ભર્યુ તે જાણવા મળ્યુ નથી. આ ઘટના અંગે સુખસર પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કર્યો હતો.
ભાઇ જોડે જવાની ના પાડતાં અવિચારી પગલાંની ચર્ચા
સંતાનો સાથે કૂવામાં કૂદીને જીવન લીલા સંકેલી લેવાના પ્રકરણમાં પત્ની પોતાના ભાઇ સાથે પરગામમાં મજુરી કામ માટે જવાની જીદ કરતી હતી. ત્યારે ઘરે કામ હોવાથી પતિએ તેને જવા માટેની ના પાડી દીધી હતી. આ મામલે તેના મનમાં લાગી આવતાં બંને સંતાનો સાથે કૂવામાં કૂદીને આપઘાત કર્યો હોવાની ગામમાં થતી ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. આ ઘટના બની ત્યારે તેનો પતિ ગામમાં જ સેન્ટીંગ કામ ઉપર ગયેલો હતો.