Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લોધિકા તાલુકાના રાવકી ગામે સરકારી જમીનમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા ગુજરાત હાઇકોર્ટે ગત તા.28-3-2024ના રોજ કરેલા આદેશના પગલે એસડીએમ વિમલ ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ મામલતદાર બી.એમ.ભાડ અને તેની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી અને આશરે રૂ.15 કરોડની 2 એકર સરકારી જમીનમાંથી દબાણો હટાવ્યા હતા. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન સરકારી જમીનમાંથી ડો.બાબાસાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધની પ્રતિમા દૂર કરાતા દલિત સમાજના 25થી 30 લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને વિરોધ કરતાં 6 લોકોની અટકાયત કરવામાં આવી હતી.


મામલતદાર બી.એમ.ભાડએ માહિતી આપતા જણાવ્યું હતું કે, લોધિકા તાલુકાના રાવકી ગામના રાવકી માખાવડ રોડ પર ફર્ગ્યુશન કારખાના સામે આવેલ સરકારી ખરાબાની સ.નં. 645ની અંદાજે 2 એકર જેટલી અંદાજે 15 કરોડ કિંમતની જમીનમાં દબાણ મુદ્દે અગાઉ મુકેશ ખોડાભાઇ ડાંગર અને હંસાબેન સિંગલ સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં મુકેશભાઇ ડાંગર ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટ દ્વારા ગત તા.28-3ના રોજ સરકારી જમીનમાં દબાણ દૂર કરવા આદેશ કરાયો હતો. આ સરકારી જમીનમાં ડો.બી.એમ.આંબેડકર બુદ્ધ વિહાર બનાવવામાં આવેલ હોય અને તેમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, ભગવાન બુદ્ધની પ્રતિમા, મુકેશભાઇ ખોડાભાઇ ડાંગરનું 2 રૂમનું મકાન, હંસાબેન સિંગલનું 1 રૂમનું મકાન સહિતના ગેરકાયદે બાંધકામો આવેલા હોય તે દૂર કરવા મંગળવારે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયે દલિત સમાજના આગેવાનો શરૂઆતમાં આડા ઊભા રહી જતા તેમને હાઇકોર્ટનો આદેશ હોય અડચણ ઊભી ન કરવા સમજાવટ કરાયા બાદ પોલીસે 6 લોકોની અટકાયત કરી હતી અને ત્યારબાદ દબાણ દૂર કરાયું હતું. જેમાં ડો.બાબાસાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધની પ્રતિમા તંત્રની કસ્ટડીમાં સહીસલામત રીતે રાખી દેવાયાનું સૂત્રોએ જણાવ્યું છે.