શહેરમાં રહેતી પરિણીતાએ તેના નશાખોર પતિના ત્રાસ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. પતિ કહેતો કે, ‘તું મને કુંવારી છોકરીઓ સાથે સેટિંગ કરાવ નહિતર તારી બહેન અથવા મા સાથે સેટિંગ કરાવ’. બીજી એક મહિલાએ તેના રેલવે કર્મચારી પતિના ત્રાસ અંગે ફરિયાદ કરી હતી.
પરાપીપળિયામાં ભાડાના મકાનમાં રહેતા વૈશાલીબેન ગુલવાણી (ઉ.વ.37)એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોપટપરામાં રહેતા તેના પતિ રમેશ ગુલવાણી, સસરા કેવડારામ શેવનદાસ ગુલવાણી અને સાસુ ધરમી ગુલવાણીના નામ આપ્યા હતા. વૈશાલીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021માં તેમના લગ્ન થયા હતા અને તેમને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. પતિ દારૂના નશામાં મારકૂટ કરતો હતો. સાસુ કહેતા કે મારા મોટા દીકરાને બે ઘરવાળી છે, મારા ભાઇને બે ઘરવાળી છે અને મારો દીકરો પણ બે ઘરવાળી કરે તો શું વાંધો છે, પતિ ઘરખર્ચ માટે પૈસા આપતો નહોતો અને સાસુ-સસરા તેને ચડામણી કરતા હતા.
પતિ બાળકને દારૂ પીવડાવતા હતા. પતિ રમેશ કહેતો હતો કે, તારો કે તારા દીકરાનો કોઇ હક્ક નથી, તને વાટકો લઇને ભીખ મગાવીશ. રમેશ એમ પણ કહેતો કે, ‘તું મને કુંવારી છોકરીઓ સાથે સેટિંગ કરાવ નહિતર તારી બહેન કાં તારી મા સાથે સેટિંગ કરાવી દે મને કુંવારી છોકરી તથા ભાભીઓમાં જ રસ છે’. પોલીસે વૈશાલીબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી. રેલનગરનમાં રહેતા સુલ્મીતાબેન ક્રિશ્ચિયને (ઉ.વ.52) તેના પતિ ફ્રાન્સિસ લલિતસેન ક્રિશ્ચિયન સામે ફરિયાદ નોંધાવી હતી.
સુલ્મીતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ રેલવેમાં નોકરી કરે છે. પતિ ઘર ખર્ચ માટે પૈસા આપતો નહોતો. પતિ વારંવાર મારકૂટ કરતો હતો. પુત્રના લગ્ન થયા બાદ પુત્રવધૂને કહેતો કે તારી સાસુને કંઇ ખબર પડતી નથી તેની સાથે વાત કરવી નહીં, પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા અને તે સ્ત્રી સાથે વાતચીત કરવા પુત્રવધૂને દબાણ કરતો હતો. ફ્રાન્સિસના કારણે પુત્રવધૂએ છૂટાછેડા લઇ લીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી હતી.