ગુજરાતભરમાં ગુરુવારે પણ હીટવેવનો માર યથાવત્ રહ્યો હતો. અમદાવાદમાં 46.6 ડિગ્રી સાથે 131 વર્ષનું પાંચમું સૌથી ઊંચુ તાપમાન નોંધાયું હતું. છેલ્લાં 15 દિવસથી એન્ટી સાયક્લોનિક સરક્યુલેશનથી શરૂ થયેલી હીટવેવને કારણે ગરમીઅે માઝા મૂકી છે. રાજસ્થાનનું બાડમેર 48.8 ડિગ્રી ગરમી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. ગુરુવારે ગુજરાત સહિત 16 રાજ્યમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી ઊંચો નોંધાયો હતો.
બીજી તરફ હવામાન વિભાગે દેશભરમાં હજુ 5 દિવસ આકરી ગરમીનો માર યથાવત રહેશે એવી આગાહી કરી છે. છેલ્લા બે દિવસમાં જ રાજ્યમાં હીટ સ્ટ્રોકથી 15 લોકોના મોત થયા હતા. વધતી ગરમી સાથે પાણીની અછતનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. સેન્ટ્રલ વૉટર કમિશનના જણાવ્યા પ્રમાણે દેશના 150 મોટાં જળાશયોમાં પાણીની સપાટી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ઘટી છે.
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, 23 મે ગુરુવારના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રીએ પહોંચતાં 131 વર્ષોમાં પાંચમું અને ગુરુવારે રાજ્યનું પ્રથમ ક્રમનું તેમજ દેશનું આઠમા ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 20 મે 2016ના રોજ ઓલ ટાઇમ રેકોર્ડબ્રેક મહત્તમ તાપમાન નોંધાયું હતું. એ પહેલા 1955માં 46.6 ડિગ્રી, 1970માં 47.5 ડિગ્રી તથા 2010માં 46.8 ડિગ્રી નોંધાઈ હતી. એ પછી 23 મે 2024ના રોજ રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે.