બ્રિટનમાં હવે દારૂનું સેવન કરનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. વાસ્તવમાં, એક સમયે અહીં દારૂના સેવનને કલ્ચરનો હિસ્સો મનાતું હતું પરંતુ હવે લોકો તેના સેવનથી બચવા માટે અનેક પ્રકારનાં બહાનાં બનાવે છે. વાસ્તવમાં, 43% બ્રિટિશ લોકો સમારોહ એ માટે ટાળે છે કારણ કે ત્યાં તેમના પર દારૂ પીવાનું દબાણ કરાય છે.
વન પોલ કંપનીએ તાજેતરમાં જ બ્રિટનમાં દારૂનું સેવન કરતા 2,000થી વધુ લોકો પર એક સરવે કર્યો. તે અનુસાર 10માંથી 3એ પ્રસંગમાં દબાણમાં આવીને દારૂનું સેવન કર્યું. તેમાંથી 33%એ મિત્રોના દબાણથી તો 30%એ સહકર્મીઓના દબાણથી આવું કર્યું.
એક ચતુર્થાંશ બ્રિટિશરોને લગ્નમાં દારૂનું સેવન કરવા માટે દબાણનો સામનો કરવો પડે છે જ્યારે 22% પાર્ટીમાં જતા પહેલાં પણ ડ્રિન્કિંગ અંગે તપાસ કરે છે. 28% લોકો તો ન પીવાનું બહાનું બનાવે છે. એક તૃતીયાંશ એટલે કે 32%એ દાવો કર્યો કે તેઓ મેડિસિન લેતા હોવાથી દારૂનું સેવન ટાળે છે.
સેવન ન કરવાનાં સચોટ કારણો પર જ લોકોને ભરોસો
38%એ સવારે વહેલું ઊઠવાનું કહીને દારૂ પીવાનું ટાળ્યું હતું. 10માંથી 3 લોકો જણાવે છે કે તેઓ ડ્રાઇવર છે, ભલે તે ન હોય. જોકે, લોકોએ દારૂનું સેવન ન કરવાનાં અસલી કારણોમાં 32%એ કહ્યું કે તેઓ આગામી દિવસે સ્ફૂર્તિ અનુભવવા માંગે છે. 26% રાત્રે પૂરતી ઊંઘ લેવા માંગે છે. જ્યારે સ્વસ્થ જીવન જીવવા માટે 25% બ્રિટનના લોકો દારૂનું સેવન કરવાનું ટાળી રહ્યા છે.