Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સ્માર્ટ મીટરના કારણે ગ્રાહકોને વધુ પૈસા ચૂકવવા પડતા હોવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પીજીવીસીએલ હવે ફૂંકી-ફૂંકીને છાશ પી રહી છે. જે વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે (રાજકોટમાં અંદાજે 7 હજાર) તે ગ્રાહકોને જૂનું લેણું એટલે કે, સ્માર્ટ મીટર લગાવાયું તે તારીખ અને ગ્રાહકે જે જૂનુ બિલ ભર્યું હશે તે સમયગાળા વચ્ચેનું જેટલું બિલ બાકી હશે તે બિલ હવે ચાર મહિના દરમિયાન હપ્તા સિસ્ટમથી વસૂલવામાં આવશે તેમ પીજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું.


સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, કોઈ ગ્રાહકના 100 રૂપિયા બાકી હશે તો આ ગ્રાહકને દર મહિને 25 રૂપિયા પીજીવીસીએલને ચૂકવવા પડશે જેથી કરીને સ્માર્ટ મિટરમાં વધુ બિલ આવતું હોવાનો વિવાદ મહંદઅંશે નિવારી શકાશે. ગ્રાહકના ખાતામાં ચાર્જ બેલેન્સ માઇનસ 300થી નીચે જવાના કિસ્સામાં ડિસ્કનેક્શન કરવામાં આવેલ હતું. મોટા ભાગના કિસ્સાઓમાં રિચાર્જ કર્યા બાદ ગ્રાહકના એકાઉન્ટ રિ-કનેક્શન તેની નિયત સમય મર્યાદામાં થયા છે. વધુમાં ડિસ્કનેક્શનની કામગીરી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન જ કરવામાં આવે છે.

રજાના દિવસોમાં કે કચેરી સમયના બાદના કલાકોમાં કોઈપણ ડિસ્કનેક્શન કરવામાં આવ્યા નથી. જેનો તમામ રેકોર્ડ સિસ્ટમમાં મોજૂદ છે. કેટલાક ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટરમાં વીજ વપરાશ વધુ હોવાની ફરિયાદ કે દાવાઓ કરાયા છે. સ્માર્ટ મીટર એ અન્ય મીટરની જેમ જ તમામ પ્રકારના ટેસ્ટ અને એક્યુરેસી ચેક પછી જ લગાવવામાં આવેલ છે. ચેક મીટર દ્વારા કેટલાક ગ્રાહકોમાં સ્માર્ટ મીટર અને ચેક મીટરમાં વીજ વપરાશની સરખામણી કરવામાં આવેલ છે અને બંનેમાં સમાન વીજ વપરાશ નોંધાયેલ છે. આમ સ્માર્ટ મીટરમાં વધુ વીજ વપરાશના દાવાઓમાં તથ્ય નથી.