રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ગુરુવારે ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રસ્તાવો રજૂ કર્યા હતા. ખાસ કરીને લોન ઓવરડ્યુ થવાના કિસ્સામાં રિકવરીને લઈને આરબીઆઇ કડક નિર્દેશો આપ્યા છે. આરબીઆઇના નિર્દેશ અનુસાર રિકવરી એજન્ટો સવારે 8 પહેલા તથા સાંજે 7 વાગ્યા પછી ગ્રાહકને કૉલ કરી નહીં શકે.
સાથે જ બેન્કો તથા એનબીએફસી પોલિસી નિર્ધારણ, કેવાયસી નોર્મ્સનું પાલન તથા લોનની મંજૂરી જેવા મહત્ત્વના કામોને આઉટસોર્સ નહીં કરી શકે. આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા મેનેજીંગ રીસ્ક્સ એન્ડ કૉડ ઑફ કન્ડક્ટ ઇન આઉટસોર્સિંગ ફાયનાન્સિયલ સર્વિસિસના ડ્રાફ્ટમાં આ પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે.
સાથે જ આરબીઆઇએ લોન ગ્રાહકોની પ્રાઇવસીની જાળવણી કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. સાથે જ લોનની મંજૂરી પહેલા તમામ શરતો અને નિયમોની યોગ્ય જાણકારી ગ્રાહકને આપવાની રહેશે. આરબીઆઇએ આ પ્રસ્તાવોને લઈને સંબંધિત સૌ લાગતાવળગતા લોકોને 2023ની 28 નવેમ્બર સુધીમાં સૂચનો રજૂ કરવા જણાવ્યું છે.