કહેવત છે- સવારનો નાસ્તો રાજાની જેમ, બપોરનું ભોજન મધ્યમવર્ગીય લોકોની જેમ અને રાતનું ભોજન ગરીબોના ખોરાક જેવું જોઈએ. હકીકતમાં, સવારનો નાસ્તો આપણને આખા દિવસ માટે ઊર્જા આપે છે અને આપણને સ્વસ્થ રાખવામાં સૌથી વધુ યોગદાન આપે છે.
નવા સંશોધનથી જાણવા મળ્યું છે કે જે લોકો દિવસની શરૂઆત શાકભાજી કે સલાડથી કરે છે, તેનું બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. ત્યાં સુધી કે ડાયાબિટીસ-2 થવાની આશંકા ઘટી જાય છે. અમેરિકાના વીલ કોનેલ મેડિસિનમાં થયેલા સંશોધન મુજબ, સવારના નાસ્તામાં શાકભાજી અને સલાડ લેવાથી ભૂખ માટેના હોર્મોન વધુ એક્ટિવ નથી થતાં. તેનાથી મેદસ્વિતામાં પણ ઘટાડો થાય છે.
આ સંશોધન કરનારી વીલ કોર્નેલ મેડિસિનમાં એસોસિએટ પ્રોફેસર ડોક્ટર અલ્પના શુક્લા કહે છે- કોઈ વસ્તુ આપણા માટે કેટલી પૌષ્ટિક છે , તે તેના પર આધાર રાખે છે કે આપણે કઈ વસ્તુ પછી શું ખાઈએ છીએ. સૌપ્રથમ શાકભાજી ખાવાથી ફાઇબર પેટમાં એક ચાળણી જેવી સ્થિતિમાં આવી જાય છે. ત્યારબાદ જ્યારે કાબર્સ ખાઈએ છીએ તો તે શુગરને લોહીમાં ભળી જતા અટકાવે છે. તેનાથી વધુ પ્રમાણમાં ગ્લુકોઝ શરીરની અંદર નથી જતુ. તેનાથી ઇન્સુલિનની વધુ જરૂર નથી પડતી. તે કહે છે- ફૂડ સિક્વેન્સિંગ એટલે કે શેના પછી શું ખાવું તેનો ફાયદો ડાયાબિટિક અને પ્રી-ડાયાબિટિક લોકોને થાય છે.