ભગવાન રામચંદ્રજીના ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 22મીએ અયોધ્યા ખાતે યોજાશે. ભારત અને વિશ્વભરનાં તમામ હરિભક્તો બી.એ.પી.એસ. મંદિરોના સભાગૃહમાં અથવા પોતાના ઘરે લાઇવ ટેલિકાસ્ટમાં ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ભગવાન રામચંદ્રજીની મૂર્તિ પધરાવીને વિશાળ સ્ક્રીન દ્વારા પ્રાણપ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણમાં જોડાશે. સોમવારે સવારે અને સાંજે સૌ ભક્તો દ્વારા મંદિરોમાં તેમજ પોતપોતાના ઘરે દિવાળીની જેમ દીપ પ્રગટાવવામાં આવશે, તોરણો બાંધી અને રંગોળીઓ પૂરવામાં આવશે.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની મુખ્ય આરતી વેળાએ મંદિરોના ગર્ભગૃહમાં અને પોતપોતાના ઘરમાં સૌ ભક્તો હાથમાં દીપ લઈને મહાઆરતીમાં જોડાશે. આરતી બાદ અક્ષત અને પુષ્પો દ્વારા મંત્ર પુષ્પાંજલિ દ્વારા ભગવાન શ્રી રામલલ્લાનું પૂજન-અર્ચન કરી જયજયકાર સાથે વધાવશે.
પ્રાણપ્રતિષ્ઠા ઉપક્રમે રાજકોટ બી.એ.પી.એસ. મંદિર દ્વારા વિશેષ રવિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અપૂર્વમુનિ સ્વામીએ ‘માનવતાના માર્ગદર્શક ભગવાન શ્રીરામ’ વિષયક પ્રવચન રજૂ કર્યું હતું. સાથે સનાતન ધર્મના જ્ઞાનની પુષ્ટિ માટે ભગવાન શ્રીરામના જીવન અને રામાયણ સંબંધિત 30 માર્ક્સની ઓનલાઈન ક્વિઝનું બે અલગ અલગ ભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 25 હજારથી અધિક ભક્તોએ જોડાઈને જ્ઞાનને વધુ પુષ્ટ કર્યું હતું.