રાજકોટ જિલ્લા પુરવઠા તંત્રની કામગીરી અનેક પ્રકારે ઢીલી અને શંકાસ્પદ હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા તેમની સામે આંખ આડા કાન કરવામાં આવતા હોય તેના પરિણામે જૂની કલેક્ટર કચેરીમાં ઝોનલ કચેરીમાં અરજદારો વચ્ચે માથાકૂટ થતા પોલીસ બોલાવવી પડી હતી અને મહામહેનતે મામલો થાળે પડ્યો હતો. ઝોનલ કચેરીમાં દરરોજ 50થી 60 અરજદાર કામ માટે કલાકો લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ તેમના કામ થતા નથી છતાં જિલ્લા પુરવઠા અધિકારી નિષ્ક્રિય રહી તમાશો જોઇ રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી પુરવઠા તંત્રની ઝોનલ કચેરીમાં નવા રેશનકાર્ડ કઢાવવા, રેશનકાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરાવવા, સુધારા-વધારા કરવા, રેશનકાર્ડના વિભાજન કરાવવા સહિતના કામસર દરરોજ 100થી 125 જેટલા અરજદાર આવે છે અને તેમાંથી 50થી વધુ અરજદાર બપોરે 2 વાગ્યે બારી બંધ થઇ જતા કામ ન થયું હોવા છતાં 4થી 5 કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ ધરમધક્કો ખાઇને ઘેર પરત ફરે છે.
આ મુદ્દે કચેરીના સ્ટાફે અનેક વખત એક વધુ ઓપરેટર મૂકવા રજૂઆત કરી હોવા છતાં ડીએસઓને જાણે નાના અરજદારોના કામમાં રસ જ ન હોય તેમ તેઓ આ મુદ્દે ઉદાસીન રહેતા હોય બુધવારે ભારે હંગામો મચી ગયો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઇન્ડસ્ટ્રીઝમાં બુધવારે રજા હોવાથી 150થી વધુ અરજદાર આજે એકઠા થઇ ગયા હતા અને તેમની વચ્ચે માથાકૂટ થતા નાછૂટકે પોલીસ બોલાવવી મામલો થાળે પાડવો પડ્યો હતો.