લોકસભાની ચૂંટણી પૂરી થવાની તૈયારીમાં છે અને 4 જૂનના રોજ પરિણામ રજૂ થશે. જોકે પરિણામ આવ્યા પૂર્વે જ અમીત શાહ, વડાપ્રધાને માર્કેટની તેજીને લઇને પોઝિટીવ નિવેદનો આપ્યા છે. પરંતુ ગુજરાતીમાં કહેવત છે કે ગાજ્યા મેહ ક્યારેય વરસ્યાં નથી... એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતી મળવા સાથે 370થી વધુ સીટ પ્રાપ્ત થશે તો સેન્સેક્સ ઉપરમાં ઝડપી 77000, નિફ્ટી 23700 અને બેન્ક નિફ્ટી 53000ની સપાટી સુધી પહોંચી શકે છે પરંતુ આ તેજી ક્ષણિક સાબીત થાય તેવો અંદાજ એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે. કેમકે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રોકાણકારોના મજબૂત સપોર્ટના કારણે માર્કેટ તેજીમય રહ્યું છે અને મજબૂત સરકાર રચાશે તો પણ ચૂંટણી પરિણામ બાદ મોટા પાયે પ્રોફિટબુક સંભવ છે. આગામી 10 દિવસની માર્કેટની ચાલમાં નવી ઉંચાઇ સાથે સરેરાશ 10 ટકા સુધીનું કરેક્શન પણ અંદાજાઇ રહ્યું છે.
ભારતીય શેરમાર્કેટમાં પોલિટીકલ ઇફેક્ટની અસરે અત્યારે મજબૂત સ્થિતિ જોવા મળી છે. દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને ત્યારબાદ વડાપ્રધાનના નિવેદન લોકસભાની ચૂંટણીના પરિણામ પછી શેરમાર્કેટમાં આક્રમક તેજી આવશે અને મોદી સરકાર સત્તા પર પરત આવશે તેના પગલે માર્કેટનો માહોલ બદલાયો હતો. જો એનડીએને 370થી વધારે સીટ મળે તો રેલવે, ડિફેન્સ તથા પીએસયુ શેર્સમાં 5-20 ટકા સુધીની તેજી આવી શકે છે. પરંતુ માર્કેટમાં હજુ ગભરાટનો સુર સમ્યો નથી. વોલેટાલિટી સતત વધી રહી છે. નિફ્ટી વીઆઇએક્સ બે વર્ષની ઉંચી સપાટી પર પહોંચ્યો છે જે માર્કેટમાં કરેક્શન સૂચવે છે.