આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) પ્રોગ્રામ્સને વિશ્વભરના લાખો કર્મચારીઓની નોકરીઓ માટે સંભવિત જોખમ ગણાવ્યું છે. ઘણા કિસ્સાઓમાં તે સામાન્ય માણસો કરતાં વધુ સારી રીતે કામ કરે છે, શીખવામાં સૌથી તેજ છે અને સમયનો દુરુપયોગ પણ નથી થતો. તેના ફાયદાઓથી ખુશ મોટી કંપનીઓના સીઈઓ એઆઈ પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે ત્યારે હવે એઆઈની નજર પણ સીઈઓની ખુરશી પર છે. ઘણી સફળ કંપનીઓએ ‘એઆઈ લીડર’ના કોન્સેપ્ટ પર કામ શરૂ કરી દીધું છે. શરૂઆતનાં પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે.
ચીનની ઓનલાઈન ગેમ કંપની નેટડ્રેગન વેબસોફ્ટે 2022માં તેના ‘એઆઈ-સંચાલિત રોટેટિંગ સીઈઓ’ની નિમણૂક કરી હતી. તેનું નામ ‘તાંગ યુ’ છે. 5000 કર્મચારી ધરાવતી કંપનીના એઆઈ સીઈઓએ તાજેતરમાં ‘ચીનનો શ્રેષ્ઠ વર્ચ્યુઅલ એમ્પ્લોઈ’નો એવોર્ડ પણ જીત્યો હતો. તાંગ યુએ પદ સંભાળ્યા પછી કંપનીની વાર્ષિક આવક 9.5% ના દરે વધી રહી છે. પોલેન્ડની કંપની ડિક્ટાડોરે ગયા નવેમ્બરમાં એઆઈ હ્યુમનૉઇડ સીઈઓ ‘મીકા’ની નિમણૂક કરી હતી. કંપનીએ કહ્યું કે મીકા વ્યક્તિગત પક્ષપાતથી મુક્ત છે.