સરકારે ઘઉંની સંગ્રહાખોરી અને ભાવ વધારાને રોકવા માટે તાત્કાલિક અસરથી જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, મોટા રિટેલર્સ અને પ્રોસેસર્સ માટે સ્ટોક હોલ્ડિંગના ધોરણોને વધુ કડક બનાવ્યા છે. ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે વેપારીઓ/જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક લિમિટને અત્યારના 2,000 ટનથી ઘટાડીને 1,000 ટન કરવામાં આવી છે.
પ્રત્યેક રીટેલર પર સ્ટોક લિમિટ પણ 10 ટનને બદલે 5 ટન રહેશે, જ્યારે પ્રત્યેક ડેપોના રિટેલર માટે પણ 5 ટન અને તમામ ડેપો માટે કુલ 1,000 ટન રહેશે. પ્રોસેસર્સ માસિક ધોરણે 70 ટકા હિસ્સાનો સંગ્રહ કરી શકશે. માર્કેટમાં સંગ્રહાખોરી અને કૃત્રિમ અછતને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ નવી સ્ટોક લિમિટ તાત્કાલિક અસરથી લાગૂ પડશે. વેપારીઓને નવી લિમિટ પ્રમાણે સ્ટોક ઘટાડવા માટે 30 દિવસનો સમય આપવામાં આવશે.
દરેક ઘઉંનો સંગ્રહ કરતી સંસ્થાઓએ ઘઉંના સ્ટોક લિમિટ પોર્ટલ (https://evegoils.nic.in/wsp/login) પર નોંધણી કરાવવાની અને દરેક શુક્રવારે સ્ટોકની સ્થિતિ અપડેટ કરવાની રહેશે. જે સંસ્થા પોર્ટલ પર નોંધણી કરાવવાના તેમજ સ્ટોક લિમિટના નિયમનું ઉલ્લંઘન કરશે તેઓને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955ની કલમ 6 અને 7 હેઠળ શિક્ષાત્મક પગલાંને પાત્ર રહેશે. અગાઉ 12 જૂન દરમિયાન ખાદ્ય મંત્રાલયે માર્ચ 2024 સુધી અલગ અલગ વેપારીઓ પર સ્ટોક હોલ્ડિંગની મર્યાદા લાગૂ કરી હતી.