યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન સેનામાં તૈનાત વધુ બે ભારતીયોના મોત થયા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી હતી. આ પછી ભારતે કહ્યું છે કે, રશિયાએ કોઈપણ કિંમતે તેની સેનામાં ભારતીયોની ભરતી કરવાનું બંધ કરવું જોઈએ. આ બંને દેશોની ભાગીદારી માટે સારું નથી.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોસ્કોમાં ભારતીય દૂતાવાસે રશિયન સંરક્ષણ મંત્રાલય સહિત રશિયન સત્તાવાળાઓ પર દબાણ કર્યું છે કે તેઓ બંને ભારતીય નાગરિકોના મૃતદેહોને વહેલી તકે પરત લાવે. આ સિવાય વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.
વિદેશ મંત્રાલયે પણ ભારતીયોને રશિયામાં નોકરીની ઓફર મળે તો સાવધાની રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સરકારે રશિયા પાસે સેનામાં ભરતી થયેલા ભારતીયોને પરત મોકલવાની માગ કરી છે. આ મુદ્દો ભારતમાં હાજર રશિયન રાજદૂત સાથે પણ ઉઠાવવામાં આવ્યો છે.