નકલી કચેરી કે ખોટા NA જ નહીં, તેથી પણ વધુ મોટું કૌભાંડ સામે આવવાની તૈયારીમાં છે. આ કૌભાંડ છે ગરીબ આદિવાસીઓની જમીન બચાવવા માટે ઘડાયેલા નિયમ 73AAનું. આદિવાસીની જગ્યા બિનઆદિવાસી પાસે જતી બચાવવા લૅન્ડ એક્ટ માટે જરૂરી મંજૂરી અને વિશેષ પ્રીમિયમ ભર્યાના ખોટા ડોક્યુમેન્ટ બનાવી કરોડોની જમીનો ભૂમાફિયાઓને સગેવગે કરી દેવાઈ હોવાની ફરિયાદ ગોધરા પોલીસને મળી છે.
આવા અલગ અલગ આક્ષેપ સાથેની કુલ પાંચેક અરજીઓ માત્ર બે દિવસમાં પોલીસને મળી છે જેને આગામી સપ્તાહના પહેલા જ દિવસે કલેક્ટર ઓફિસ મોકલી આપી અરજીમાં થયેલા આક્ષેપોને લેન્ડ રેકોર્ડ સાથે મેળવી તપાસ કરી શકાય તેમ જિલ્લા પોલીસ વડાનું કહેવું છે. દાહોદ જિલ્લા પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી હારુન પટેલ, મહેમૂદ ટેલર અને શૈશવ પરીખની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓને અલગ અલગ રાખી પૂછપરછ કરવા ઉપરાંત તેમનાં ઘર અને ઓફિસનાં સ્થળો પર તપાસ કર્યા બાદ પોલીસને વધુ કેટલાક દસ્તાવેજો અને વિગતો મળી છે. બન્ને ફરિયાદમાં માસ્ટર માઈન્ડ શૈશવ પરીખ હોવાનું સામે આવ્યું છે. જે અંગે દાહોદ જિલ્લા પોલીસવડા ડો.રાજદીપસિંહ ઝાલાનું કહેવું છે કે નકલી NAના ઓર્ડર 2020માં તૈયાર કરાયા હતા. જોકે, તે બોગસ દસ્તાવેજ પર પણ ખોટી તારીખ વર્ષ 2018ની લખવામાં આવી હતી. તેની પાછળ આરોપીઓની ચાલ એ હતી કે 2૦18 પછી DDO પાસેથી NA કરવાની સત્તા લેવાઈ ગઈ હતી. જેથી જૂની તારીખના દસ્તાવેજોનું ક્યારેય સ્ક્રૂટીની થશે નહીં અને તે પકડાશે નહીં. આ કેસનો એક આરોપી કૌભાંડ આચરીને ત્રણેક વર્ષથી વિદેશ ફરાર થઈ ગયો છે. તે પણ શૈશવની જેમ માસ્ટર માઇન્ડ છે અને તેને પકડી પાડવા માટે LOC પણ કાઢવામાં આવ્યું છે. જ્યારે અન્ય એક આરોપી તપાસ શરૂ થતા જ થાઈલેન્ડ ભાગ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.