વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વર્ષે રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આપ સિવાય 31 અપક્ષ ઉમેદવારો મેદાને છે જે પાછલી 2017 ની ચૂંટણી કરતા 20 ઓછા હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની 8 બેઠકો પરથી 51 અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું.
9 અપક્ષ ઉમેદવારોનો 2.16% વોટશેર રહ્યો
વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની 8 બેઠકો પર 51 અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું જેનો વોટ શેર 12.89% રહ્યો હતો. જેમાં રાજકોટ પૂર્વ બેઠક પર 6 અપક્ષ ઉમેદવારો વચ્ચે 1.54%, પશ્ચિમ બેઠક પર 9 અપક્ષ ઉમેદવારોનો 0.93%, દક્ષિણમાં 4 અપક્ષ ઉમેદવારોનો 0.65% અને રાજકોટ ગ્રામ્યમાં 9 અપક્ષ ઉમેદવારોનો 2.16% વોટશેર રહ્યો હતો.
જયારે જિલ્લાની વાત કરવામાં આવેતો રાજકોટ જિલ્લાના જસદણ બેઠક પર 8 અપક્ષ ઉમેદવારોનો 2.31%, ગોંડલ બેઠક પર 4 અપક્ષ ઉમેદવારોનો 1.24%, જેતપુર બેઠક પર 5 અપક્ષ ઉમેદવારોનો 1.45 % અને ધોરાજી બેઠક પર 6 અપક્ષ ઉમેદવારોનો 2.61% વોટ શેર નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખિયો જંગ છે અને સાથે અપક્ષ ઉમેદવારો પણ છે તેવામાં આ વર્ષે ચૂંટણી પરિણામ શું આવશે તે જોવું રસપ્રદ રહેશે.