રાજકોટ શહેરમાં ગુરુવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બે દિવસ સુધી પારો 40 રહ્યા બાદ લોકોને આશા જાગી હતી કે હવે ચોમાસું નજીક આવતા ગરમીમાંથી રાહત મળશે આ દરમિયાન વાદળો પણ છવાયા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા પડ્યા હતા જ્યારે શહેરમાં પવન ફૂંકાયા હતા. જોકે એ આશા ફળી ન હતી અને બુધવારે ગરમીનો પારો ફરી ઊંચકાયો હતો. હવે લોકોને ચોમાસું બેસે અને રાહત મળે તેની આશા છે જોકે તેમાં હજુ એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે.
ગુજરાતમાં ચોમાસું 15મી જૂન સુધીમાં બેસી જાય છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવા લાગે છે જોકે તેના પહેલાના સપ્તાહમાં જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હેઠળ લોકલ ક્લાઉડ અને સિસ્ટમ બનવાને કારણે સાંજના સમયે વરસાદ શરૂ થઈ જાય છે અને તેને કારણે પારો ઝડપથી ઓછો થઈ જાય છે. જોકે રાજકોટમાં આ વખતે તેવી સ્થિતિ બની નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ 19 તારીખ સુધી વરસાદની કોઇ શક્યતા નથી. 16 તારીખ સુધી મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે અને ત્યારબાદ પારો ઘટશે તેમજ 20 તારીખ સુધીમાં 40થી પણ નીચે જઈ શકે છે.