અમેરિકામાં એક મહિના પછી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. મૂળ ભારતીયો ચૂંટણીને લઈ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, કારણ કે જો ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ જીતશે તો અમેરિકામાં પ્રથમ ભારતીય મૂળનાં પ્રમુખ હશે. બીજી તરફ, પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતીય સમર્થકો પણ ઉત્સાહિત છે કારણ તેમનું કહેવું છે કે ટ્રમ્પ પ્રશાસનમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ સૌથી વધુ છે. ટ્રમ્પના કાર્યકાળમાં 80થી વધુ ભારતીયોને ઉચ્ચ પદે નિયુક્ત કરાયા હતા.
કમલા હેરિસ અને ટ્રમ્પની પ્રચાર ટીમ અનુસાર રાષ્ટ્રપતિ પદના બંને ઉમેદવારોએ તેમના શેડો કેબિનેટની રૂપરેખા તૈયાર કરી છે. જેમાં ભારતીય-અમેરિકનોનું વર્ચસ્વ રહેવાની ધારણા છે. કમલા હેરિસની શેડો કેબિનેટમાં ભારતીય મૂળના 5 અને ટ્રમ્પની કેબિનેટમાં પણ 4થી 5 ભારતીયોનો સમાવેશ થાય તેવી શક્યતા છે.
હેરિસ પ્રશાસનમાં જે ભારતવંશી નેતાઓનો કેબિનેટમાં સ્થાન મળવાની સંભાવના છે તેમાં અમેરિકી કોંગ્રેસના 5 નેતા સૌથી આગળ છે. અમેરિકી કોંગ્રેસના સભ્ય ડો. અમી બેરા, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ, શ્રી થાનેદાર અને પ્રેમિલા જયપાલનાં નામ સૌથી મોખરે છે. બાઇડેન-કમલા હેરિસ પ્રશાસનમાં વરિષ્ઠ ભૂમિકાઓ માટે નામાંકિત ભારતીય અમેરિકનોમાં મહિલાઓની સંખ્યા અડધાથી વધુ છે અને ઓબામા પ્રશાસન દ્વારા નિયુક્ત કરાયેલા કેટલાકને જાળવી રાખવાની અપેક્ષા છે