ચીન સાથેની મિત્રતા નિભાવી રહેલા નેપાળને મોટો ફટકો પડ્યો છે. નેપાળમાં ચીનના પ્રોજેક્ટોમાં વિલંબનો મુદ્દો ગરમાયો છે. નેપાળમાં ઈન્ફાસ્ટ્રક્ટર પ્રોજેક્ટમાં સામેલ ચીની કંપનીઓનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે. આ કંપનીઓ પાસે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટો જોવા કે એરપોર્ટ, ડેમ, હાઈવે અપગ્રેડેશન, મુગ્લિમ-પોખરા હાઈવે, તરાઈ-મધેશ એક્સપ્રેસ વેની સુરંગો વગેરે છે.
આમાંના ઘણા પ્રોજેક્ટ લાંબા સમયથી અટવાયેલા છે. પ્રોજેક્ટોમાં વિલંબને કારણે બાંધકામ ખર્ચ વધી રહ્યો છે. લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચીનની કંપનીઓના વિલંબને કારણે નારાજ નેપાળના લોકો ઘણા સમયથી દેખાવો કરી રહ્યા છે. રાજકીય પક્ષોએ પણ કંપનીઓની મનમાનીને આડે હાથ લઈ રહ્યા છે.
સૌથી વધુ વિલંબ હાઇવે પ્રોજેક્ટમાં થયો છે. માર્ગ વિભાગના મહાનિર્દેશક સુશીલ બાબુ ધકલે જણાવ્યું હતું કે ચીની કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવામાં આવતા તમામ હાઈવેમાં વિલંબ એ સામાન્ય બાબત છે. એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)ની મદદથી બનેલા પૂર્વ-પશ્ચિમ હાઇવેનો 116 કિમીનો વિસ્તાર 2019માં પૂર્ણ થવાનો હતો, પરંતુ અત્યાર સુધીમાં તેમાંથી અડધાથી પણ ઓછો (43%) પૂર્ણ થયો છે. હવે તેની ડેડલાઈન જુલાઈ 2024 સુધી લંબાવાઈ છે. તેમ છતાં કામ પૂર્ણ થાય તેમ લાગતું નથી. હાઈવેનું નિર્માણ કરી રહેલી ચીની કંપની ચાઈના સ્ટેટ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ કોર્પોરેશન વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે નેપાળ સરકાર તેને છાવરી રહી છે. આ કંપનીને નેપાળ આર્મી દ્વારા 2021માં તરાઈ/મધેશ એક્સપ્રેસ વેમાં ટનલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હજુ અડધાથી વધુ કામ બાકી છે. નેપાળ સેનાએ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ ચીનની કંપની પોલી ચાંગડા એન્જિનિયરિંગ કોર્પોરેશન લિમિટેડને આપ્યો હતો, તેની સમયમર્યાદા બે વખત લંબાવવામાં આવી છે. મેલમ્ચી પાણીનો પ્રોજેક્ટ પણ ચીનની કંપનીને આપવામાં આવ્યો છે.