દેશના અલગ અલગ ભાગોમાં લોકોના ખોરાક, જીવનશૈલી અને ભાષાની સાથે જ રોકાણના ટ્રેન્ડમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની પ્રતિનિધિ સંસ્થા AMFIના આંકડાઓ અનુસાર કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા જેવા દક્ષિણના રાજ્યોમાં શેર્સ (ઇક્વિટી)થી જોડાયેલા રોકાણના સાધનોમાં ઓછું રોકાણ કરવામાં આવે છે. તેઓનું રોકાણ ઇક્વિટી વગરની એસેટ્સ જેમ કે બૉન્ડ, ગોલ્ડમાં વધુ હોય છે.
બીજી તરફ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના રોકાણકારો ઇક્વિટીમાં સૌથી વધુ રોકાણ કરે છે. મહારાષ્ટ્ર (મુખ્યત્વે મુંબઇ) અને દિલ્હીમાં ઇક્વિટી-નોન ઇક્વિટી રોકાણ લગભગ ભરાબર છે, જ્યારે પૂર્વોત્તરના રાજ્ય અસમના લોકો ઇક્વિટીમાં વધુ રોકાણ કરવાનું પસંદ કરે છે.
મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડમાં ઇક્વિટી રકોાણ 88% સુધી: AMFI અનુસાર મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશના રોકાણકારો 82-88% રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્સની ઇક્વિટી સ્કીમમાં કરે છે. આ રાજ્યોમાં માત્ર 12-18% રોકાણ જ નોન ઇક્વિટી એસેટ્સમાં કરાય છે.