રાજ્યની સ્કૂલોમાં ઉનાળું વેકેશન પૂરું થઇ રહ્યું છે અને સરકાર ગુણોત્સવ-પ્રવેશોત્સવ-કન્યા કેળવણીની તૈયારી કરી રહી છે ત્યારે વર્ષ 2009થી ચાલતા ગુણોત્સવનું પરિણામ જોઇએ તેટલું દમદાર ન આવ્યું હોવાની ચોંકાવનારી બાબત બહાર આવી છે. છેલ્લાં 15 વર્ષથી ચાલતા ગુણોત્સવનો ઉત્સવ શૈક્ષણિક સ્તર સુધારવાનો છે પણ ગુણોત્સવનો જે રીતે પ્રચાર કરવામાં આવે છે તે રીતે પ્રચાર વધુ અને પરિણામ ઓછું તેવી સ્થિતિ હોવાનું ખુદ સરકારે જ સ્વીકાર્યું છે.
ગુણોત્સવ દરમિયાન સ્કૂલોની ભૌતિક અને શૈક્ષણિક સુવિધાની ચકાસણી થાય છે અને તેના આધારે સ્કૂલોને ગ્રેડ આપવામાં આવે છે. આ ચકાસણીમાં વર્ષ 2021-22માં 17 સ્કૂલ ‘સર્વશ્રેષ્ઠ સ્કૂલ’ હતી,પણ વર્ષ 2022-23માં 17 સ્કૂલનું સ્તર ગગડ્યું અને એક પણ સ્કૂલ સર્વશ્રેષ્ઠ રહી નહીં. ગુણોત્સવનું પરિણામ ભલે અપેક્ષિત ન હોય પણ આટલા પ્રયાસ પછી થોડો સુધારો થયો છે,જેમ કે,છેલ્લાં 4 વર્ષમાં કોરોનાને કારણે એક વર્ષ મૂલ્યાંકન થયું ન હોવાથી ચાર વર્ષમાં સ્કૂલોના ત્રણ વખત કરાયેલા મૂલ્યાંકનમાં 10,031 નબળી શૈક્ષણિક-ભૌતિક સુવિધા ધરાવતી સ્કૂલોનું શૈક્ષણિક સ્તર સુધર્યુ છે. જોકે,આ મૂલ્યાંકન જાહેર કરવામાં આવતું નથી પરંતુ ખરેખર સરકારે તે જાહેર કરવું જોઇએ જેથી કરીને વાલીઓને ખ્યાલ આવે કે તેમનાં સંતાનોને કઇ સરકારી સ્કૂલમાં ઉત્તમ શિક્ષણ મળી શકે તેમ છે અને તેમાં તે પ્રવેશ લઇ શકે.