Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) દેશો માટે જારી કરેલા નકશામાં રશિયન સરકારે ચીન અને પાકિસ્તાનના ગેરકાયદે કબજો ધરાવતા વિસ્તારોને ભારતનો હિસ્સો ગણાવ્યા છે. પાકિસ્તાન અને ચીન પણ એસસીઓના સભ્ય છે. તેમની પરવા કર્યા વિના રશિયાએ આ નકશો જારી કર્યો છે. આ ના તો ફક્ત ભારતના પક્ષ પર મહોર છે, પરંતુ ચીન અને પાકિસ્તાનને પણ આકરો ઝટકો છે. રશિયા અને ભારતની જેમ ચીન અને પાકિસ્તાન પણ એસસીઓના સભ્ય હોવાથી આ પગલાંનું મહત્ત્વ વધી જાય છે.


આ પગલાંને રશિયાના પગલામાં અસામાન્ય પરિવર્તન પણ માનવામાં આવે છે. અત્યાર સુધી રશિયા હંમેશા પીઓકે મુદ્દે નિવેદન આપતા બચતું હતું અને જમ્મુ-કાશ્મીરને પણ રશિયા અનેકવાર આંતરિક બાબત પણ ગણાવી ચૂક્યું છે. સૂત્રોના મતે, એસસીઓના સ્થાપક દેશ રશિયાના આ પગલાંથી વિશ્વમાં નવી ધરી રચાવાની શરૂઆત થઇ ચૂકી છે.

આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકારોના મતે ચીને ભારતના કેટલાક હિસ્સાને પોતાના ક્ષેત્રમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સફળ નથી રહ્યો. રશિયાનું વલણ એટલે પણ મહત્ત્વનું છે કે હાલમાં જ પાકિસ્તાનમાં અમેરિકન રાજદૂત ડોનાલ્ડ બ્લોમે પીઓકેની મુલાકાત લીધી હતી અને તેને આઝાદ કાશ્મીર ગણાવ્યું હતું. જોકે, ભારત તેને પોતાનું અવિભાજ્ય અંગ ગણે છે.

આ નિવેદન પછી ભારતે વાંધો પણ ઉઠાવ્યો હતો પરંતુ અમેરિકાએ તેમનો પક્ષ હજુ સુધી પાછો ખેંચ્યો નથી. બીજી તરફ, જર્મનીના વિદેશમંત્રીએ પણ હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર વિવાદ ઉકેલવામાં યુએનની મધ્યસ્થીની સૂચના આપી હતી.

અમેરિકાનું સતત ભારત વિરોધી વલણ
અમેરિકા હંમેશા કહેતું આવ્યું છે કે, કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય સંવાદથી જ ઉકેલી શકાય. પરંતુ બ્લોમના નિવેદન પછી એક નવી જ ચર્ચા શરૂ થઇ છે. બ્લોમનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાન સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવા અમેરિકાના પ્રવાસે હતા. આ પહેલાં એફ-16 ફાઇટર વિમાનો અપગ્રેડ કરવા માટે પણ પાકિસ્તાનને અપાયેલી અમેરિકન મદદથી ભારત પહેલેથી નારાજ હતું. બાઇડેન સરકારના વર્તન પરથી લાગે છે કે, તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને ખુશ રાખવા માંગે છે.