યુક્રેન-રશીયા વચ્ચેના યુદ્વનો અંત લાવવા અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાટાઘાટમાં રશીયાના પ્રમુખ પુતિને કેટલીક આકરી શરતો સાથે તૈયારી બતાવતાં અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો જાળવી રાખતા અને આગામી સમયમાં બે વખત રેટ કટ કરવાનો નિર્ણય જાહેર કરતાં વૈશ્વિક સ્તરે આર્થિક ગતિવિધિઓમાં સુધારાના અહેવાલોના પગલે આજે સતત ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી અને સેન્સેકસે ફરી 76000 પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચરે 23000 પોઈન્ટનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યા હતા.
ઉપરાંત, ભારતીય શેરબજાર ઓવરસોલ્ડ પોઝિશનમાં હોવાથી અને નાણા વર્ષ 2024-25નો અંત આવી રહ્યો હોઈ માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા પાછલા દિવસોમાં ઉછાળે વેચેલા સારા શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટેરીફ વોરના પગલે અનિશ્ચિતતા યથાવત્ રહેતા ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.61% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.73% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, ટેક, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, આઈટી, ફોકસ્ડ આઇટી, હેલ્થકેર અને એફએમસીજી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.