1 મેથી તમારે ATMમાંથી પૈસા ઉપાડવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ એક નોટિફિકેશન જાહેર કરીને ઇન્ટરચેન્જ ફીમાં વધારો જાહેર કર્યો છે.
આનો અર્થ એ થયો કે જે ગ્રાહકો નાણાકીય વ્યવહારો માટે ATM પર આધાર રાખે છે તેઓ જો તેમની ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ બાદ ATMમાંથી પૈસા ઉપાડશે તો તેમને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, 1 મેથી ગ્રાહકોએ ફ્રી લિમિટ પૂરી થયા પછી ATMમાંથી દરેક નાણાકીય વ્યવહાર માટે વધારાના 2 રૂપિયા ચૂકવવા પડશે. આ ફી વધારાને કારણે હવે ATMમાંથી રોકડ ઉપાડવા માટે દરેક વ્યવહાર પર 19 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલાં 17 રૂપિયા હતો તેમજ બેલેન્સ પૂછપરછ જેવા બિન-નાણાકીય વ્યવહારો માટેની ફીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ખાતામાં બેલેન્સ ચેક કરવા માટે, હવે દરેક વ્યવહાર પર 7 રૂપિયા વસૂલવામાં આવશે, જે પહેલાં 6 રૂપિયા હતો.