મહિસાગર જિલ્લાના ખાનપુર ગામની ચંદ્રીકા પરમાર ધોરણ 12ની પરીક્ષા આપી રહી હતી. બે પેપર આપ્યા બાદ તે બાકીના પેપરની તૈયારી કરી રહી હતી. દરમિયાન તે ખાનપુર નજીક કારંટા મહી નદીના કાંઠે દર વર્ષે યોજાતા ઉર્સના મેળામાં ગઈ હતી. 18 માર્ચના રોજ પરિવાર સાથે મેળામાં હતી ત્યારે વાવાઝોડું આવ્યું અને વરસાદમાં તે પરિવારથી વિખુટી પડી ગઈ. લાઈટ પણ જતી રહી હતી. એવામાં અચાનક ચંદ્રિકા ગુમ થઈ ગઈ હતી. આથી પરિવારે તેની આસપાસમાં શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં તેની કોઈ ભાળ ન મળતા પરિવારે પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે આખરે કારંટા ગામે ચાર દિવસે બાદ મહીસાગર નદીની અંદરથી કોથળામાં બાંધેલી હાલતમાં ચંદ્રિકાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને પીએમ માટે વડોદરા મોકલવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મહીસાગર જિલ્લા પોલીસ, LCB તેમજ SOGની અલગ અલગ ટીમો ગુનાને લઈને તપાસ હાથ ધરી છે.