શહેરમાં ભાવનગર રોડ પર આજીડેમ ચોકડી નજીક ફૂટપાટ પર રહેતા પરિવારની 13 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે પરિણીત બિહારી શખ્સને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારતો હુકમ ફરમાવ્યો છે.શહેરમાં ભાવનગર રોડ પર ફૂટપાથ પર રહેતા પરિવારની 13 વર્ષની સગીરાને આરોપી બીગનકુમાર ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે છોટુ રામનરેશ શાહ (રહે.બિહાર)તા. 2-12-23ના રોજ અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યું હાેવાની સગીરાના પરિવારે ફરિયાદ કરતા થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપી બીગનકુમાર શાહની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. તેમજ આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો મળી આવતા તપાસ અધિકારી દ્વારા પોકસો અદાલત ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી.
દરમિયાન કેસ ચાલવા પર આવતા કોર્ટ દ્વારા ફરિયાદી તેમજ ભોગ બનનાર સગીરાની જુબાનીમાં તેઓએ બનાવની સંપૂર્ણ હકીકત સમર્થન કરતા હોવાનું તેમજ તપાસ કરનાર અધિકારીની જુબાનીમાં મેડિકલ સર્ટીઓ અને એફએસએલ રિપોર્ટ સહિતના દસ્તાવેજી પુરાવાઓ પોકસો અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં બન્ને પક્ષના વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી જેમા સરકારી વકીલ મુકેશભાઇ પીપળિયાએ આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે. આરોપી પરિણીત પુરુષ છે અને તેઓ 13 વર્ષની સગીરાને લઇ જઇ તેના ઉપર દુષ્કર્મ આચર્યાની જુબાની આપેલ છે. જેની વિસ્તૃત દલીલો કરવામાં આવતા અદાલતના સેશન્સ જજએ આરોપી બીગનકુમારને આજીવન કેદની અંતિમશ્વાસ સુધીની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.