ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી. જે પરંપરા હજુ યથાવત્ છે. સરકારી શાળામાં વધુને વધુ વિદ્યાર્થીઓ એડમિશન લે તેના માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે આગામી તારીખ 26થી 28 જૂન દરમિયાન સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે. રાજકોટ શહેરી વિસ્તારનો અને ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તારીખ 26, 27 અને 28 જૂન (બુધવારથી શુક્રવાર) દરમિયાન યોજાશે. જે અંતર્ગત બાલવાટિકાઓમાં પ્રવેશપાત્ર 12,959 વિદ્યાર્થી અને ધોરણ-1 માં 3591 વિદ્યાર્થી પ્રાથમિકમાં એડમિશન મેળવશે. રાજકોટ જિલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 1,06,134 છે.
શાળા પ્રવેશોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળના મંત્રીઓ, અધિકારીઓ અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો ગામે-ગામ જઇને પ્રવેશપાત્ર બાળકોને વાજતે-ગાજતે શાળા પ્રવેશ કરાવશે. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પણ સ્કૂલના અને આંગણવાડીના ભૂલકાંઓને સ્કૂલબેગ અને શૈક્ષણિક કિટ, સ્ટેશનરીની વસ્તુઓ આપવામાં આવે છે. બાળકોને પ્રિય ચોકલેટ અપાય છે અને નાસ્તો કરાવાય છે.