સૌરાષ્ટ્ર ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સોમવારે ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી. ધાણા લેવાશે તેવી જાહેરાત થતાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો સવારથી યાર્ડની બહાર પહોંચી ગયા હતા અને વાહનોની લાંબી કતાર લગાવવામાં આવી હતી.
યાર્ડની બહાર બંને બાજુ 3 થી 4 કિલોમીટર લાંબી અને અંદાજે 1400થી પણ વધુ વાહનોની લાંબી કતાર લાગી હતી. યાર્ડમાં અંદાજે સવા લાખથી પણ વધુ ગુણી ધાણાની આવક થવા પામી હતી. હરરાજીમાં ખેડૂતોને 20 કિલોના ભાવ 1000 થી 1650 બોલાયા હતા. બીજી તરફ જ્યાં સુધી યાર્ડ દ્વારા બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે.
યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને ગોંડલ યાર્ડ પર વિશ્વાસ છે, અને સત્તાધીશો બહારથી આવતા ખેડૂતો હેરાન ન થાય તેની પૂરતી કાળજી રાખે છે. ધાણાની ગત વર્ષમાં 10 હજાર ગુણીનો નિકાલ થયો હતો. જે આ વર્ષે શરૂઆતમાંથી જ દરરોજની 35 થી 40 હજાર ગુણીનો નિકાલ કરવામાં આવે છે. ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે.