રાજકોટ મહાનગરપાલિકામાં બિલ્ડર, ભૂમાફિયા અને સાગઠિયાની ત્રિપુટીએ અનેક કૌભાંડો આચર્યા છે જેનો તબક્કાવાર પર્દાફાશ થય રહ્યો છે. આ પૈકી મવડીના નવા રિંગ રોડ પર એક બે નહિ 56-56 ફ્લેટમાં ગેરકાયદે બાંધકામ થઈ ગયા અને શુભ કન્સ્ટ્રક્શન નામના બિલ્ડરે તે વધારાના બાંધકામ ગ્રાહકોથી છુપાવી ફ્લેટ વેચી માર્યા છે. આ મામલે સેટિંગ કરવા માટે નોટિસ પણ અપાઈ હતી પછી મામલો દબાવી દેવાયો હતો.
મવડી વિસ્તારમાં નવા રિંગ રોડ પાસે હિલટોન બેલેવ્યુ નામની હાઈરાઈઝ સોસાયટી છે. આ સોસાયટીમાં 14 માળની ચાર વિંગ છે. એક માળમાં બે ફ્લેટ બનાવાયા છે. આ સ્કીમ શુભ કન્સ્ટ્રક્શન કંપની હતી જેના સંચાલક દિપાલીબેન રેનિશભાઈ લાલકિયા તથા અન્ય પાર્ટનર છે. આ સ્કીમમાં લોકો રહેવા ગયા છે અને તે લોકો પણ અજાણ છે કે 03-08-2023ના રોજ ચાર વિંગ પૈકી બે વિંગને 260(2) એટલે ગેરકાયદે બાંધકામ હટાવવાની આખરી નોટિસ તત્કાલીન ઈન્ચાર્જ ટી.પી.ઓ. મનસુખ સાગઠિયાએ આપી હતી.
તારીખ મેળવી તપાસ કરી તો માલૂમ થયું કે, દરેક ફ્લેટમાં વોશ એરિયાના નામે અઢી મીટર બહાર છજું કાઢીને બાલ્કની બનાવાઈ છે તે ખરેખર પ્લાનમાં હતી જ નહિ. 25 ચોરસ મીટરનું આ બાંધકામ ગેરકાયદે છે અને દરેક ફ્લેટમાં આ વોશ એરિયા છે. આ સ્થળે પ્રતિ ચોરસ ફૂટનો ભાવ 5800 રૂપિયા છે તે રીતે જોતા બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કરીને પ્રત્યેક ફ્લેટધારક પાસેથી વોશ એરિયાને કાર્પેટમાં ગણાવી તેટલા જ ભાગના 15.60 લાખ રૂપિયા વધારે મેળવ્યા છે. બે વિંગમાં ફ્લેટની સંખ્યા 56 હોવાથી કુલ આંક 8.76 કરોડ રૂપિયાનો થાય છે. બિલ્ડરે આ રીતે તંત્રના ટી.પી.ના નિયમો અને ગ્રાહકો બંનેને અંધારામાં રાખી કાળી કમાણી કરી લીધી હતી.