અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં રહેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પૂર્વ પ્રમુખ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે ફરી એકવાર એક જ મંચ પર જોવા મળશે. લગભગ 4 વર્ષ પછી બાઈડેન અને ટ્રમ્પ સીએનએન ટીવી ડીબેટમાં સામ-સામે હશે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ બાઈડેનને ગુરુવાર 27 જૂને ડીબેટ પહેલાં ડોપ ટેસ્ટ કરાવવાની માગ કરી છે. ટ્રમ્પનો આરોપ છે કે તેમના ડેમોક્રેટિક વિરોધી ડીબેટ દરમિયાન દવાનો ઉપયોગ કરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ ડ્રગ ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છે. ટ્રમ્પે શનિવારે ફિલાડેલ્ફિયામાં એક રેલીમાં કહ્યું કે જો બાઈડેનનું ગુરુવારે રાત્રે ડીબેટ સારું રહ્યું તો તેનો ઉપકાર પ્રભાવ વધારતી દવાઓનો હશે. બીજી તરફ, બાઈડેનની ટીમે ટ્રમ્પની માગને ફગાવી દીધી છે. ઝુંબેશના સહ-અધ્યક્ષ મિચ લેન્ડ્રીયુએ કહ્યું કે ટ્રમ્પ હંમેશા આવી જ વાહિયાત વાતો કરે છે. ટ્રમ્પે 2020માં બાઈડેન અને 2016માં હિલેરી વિશે પણ આવા દાવા કર્યા હતા.
આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં બંને વયોવૃદ્ધ ઉમેદવારો મેદાનમાં છે. 81 વર્ષીય ડેમોક્રેટિક બાઈડેન અને 78 વર્ષીય ટ્રમ્પ બંને ગુરુવારની ડીબેટમાં એકબીજાનો સામનો કરશે. મોટા ભાગના સરવેમાં ટ્રમ્પ થોડી લીડ સાથે લગભગ બરાબરી પર ચાલી શકે છે. માર્ચ મહિનાના ન્યૂયોર્ક ટાઇમ્સના સરવેમાં 73% નોંધાયેલા મતદારોએ બાઈડેનને અસરકારક રાષ્ટ્રપતિ બનવા માટે ખૂબ વૃદ્ધ માને છે. ટ્રમ્પ વિશે આવું માત્ર 42% લોકો માને છે.