Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય શેરમાર્કેટ માટે કમૂરતા પૂરા થઇ ગયા હોય તેવો આશાવાદ રોકાણકારો દર્શાવી રહ્યાં છે. જિયો પોલિટિકલ ઇશ્યુ હળવા થયા છે ખાસકરીને ઇઝરાયલ હમાસ યુધ્ધ વિરામના પગલે મોમેન્ટમ પોઝિટીવ બન્યું છે આ ઉપરાંત અમેરિકામાં ફુગાવો ઘટીને આવતા વ્યાજદર ઘટાડાનો માર્ગ મોકળો બન્યો છે. યુએસ બોન્ડ યિલ્ડમાં ઘટાડો થવા સાથે વૈશ્વિક બજારોમાં સુધારા તરફી ટ્રેન્ડ રહ્યો હતો. સેન્સેક્સ છેલ્લા ત્રણ દિવસમાં 713 પોઇન્ટ અને નિફ્ટી 226 પોઇન્ટ સુધર્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં ખરીદીએ સેન્ટિમેન્ટને વેગ આપ્યો હતો જેના કારણે સેન્સેક્સ 318.74 પોઈન્ટ વધીને 77000ની સપાટી કુદાવી 77042.82 પહોંચ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં 595.42 પોઈન્ટ વધી 77319.50 પર પહોંચ્યો હતો. નિફ્ટી 98.60 પોઈન્ટ વધીને 23311.80 પર પહોંચ્યો હતો. રોકાણકારોની મૂડી વધી 428.55 લાખ કરોડ પહોંચી છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ફરી નબળો પડી 86.56 રહ્યો હતો.


સેન્સેક્સ પેકમાં અદાણી પોર્ટ્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, મારુતિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એક્સિસ બેંક સૌથી વધુ વધ્યા હતા. સ્મોલકેપ 1.43 ટકા જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 0.92 ટકા વધ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં સર્વિસિસ 1.93 ટકા, ઔદ્યોગિક 1.73 ટકા, મેટલ 1.63 ટકા, ટેલિકોમ 1.61 ટકા, કેપિટલ ગુડ્સ 1.56 ટકા અને કોમોડિટીઝ 1.51 ટકા વધ્યા હતા. વૈશ્વિક બજારોમાં મજબૂત સ્થિતી જોવા મળી હતી.