સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.એ., બી.કોમ. સહિતના જુદા જુદા 15 કોર્સના 43 હજાર વિદ્યાર્થીની ગુરુવારથી પરીક્ષા શરુ થઇ છે જેમાં ગુરુવારે બપોરના સેશનમાં 2.30 કલાકે જે પરીક્ષા શરૂ થવાની હતી તેના પેપર ઈ-મેલથી મોકલવામાં સર્વરની સમસ્યા થવાને કારણે 1 કલાક પરીક્ષા મોડી શરૂ થતા વિદ્યાર્થીઓમાં પણ રોષ ફેલાયો હતો. બપોરે 2.30 કલાકે જે પરીક્ષા શરૂ થવાની હતી તેના માટે વિદ્યાર્થીઓ એક કલાક વહેલા 1.30 કલાકે કેન્દ્ર પર પહોંચી ગયા હતા, પરંતુ તે સર્વરમાં ખામી હોવાને કારણે એક કલાક મોડી 3.30 કલાકે શરૂ થઇ હતી. જે કોલેજોમાં પરીક્ષા લેવાની હતી તેના સંચાલકોને ઈ-મેલ કરીને બે વખત પરીક્ષાનો સમય બદલાયો હતો. પહેલા 2.30ને બદલે 3 કલાકે પરીક્ષા શરૂ થવાનો મેલ મોકલાયો, બાદમાં ફરી 3 કલાકને બદલે 3.30 કલાકે પરીક્ષા શરૂ થવાનો મેલ કરાયો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પેપર અગાઉ પણ લીક થઇ ચૂક્યા છે ત્યારે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે QPDS (ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમ) સિસ્ટમથી પેપર મોકલવાનું શરૂ કર્યું છે, પરંતુ તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી કોલેજને પેપર મોડા મળે, પાસવર્ડ ન મળે, પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા જ પેપર મળે તેવી અનેક સમસ્યા થઇ રહી છે. ગુરુવારથી શરૂ થયેલી જુદા જુદા 15 કોર્સની પરીક્ષામાં પણ વરસાદને કારણે સર્વરમાં ખામી હોવાને લીધે એક કલાક મોડી પરીક્ષા શરૂ થઇ હતી.