ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડતાં એક ખેલાડીનું હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં મોત થયું હતું. આ ઘટના શનિવારે બની હોવાનું કહેવાય છે, જેનો વીડિયો હવે સામે આવ્યો છે.
ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના સિલિવાંગી સ્ટેડિયમમાં ગયા શનિવારે ખરાબ હવામાન વચ્ચે એફસી બાંડુંગ અને એફબીઆઈ શુબાંગ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન અચાનક તેજસ્વી પ્રકાશ સાથેની વીજળી મેદાનના એક ભાગમાં ઊભેલા એક ખેલાડી પર પડી. આ દરમિયાન આગ પણ લાગી. જે ખેલાડી પર વીજળી પડી તે તરત જ જમીન પર પડી ગયો, જ્યારે ધમાકાને કારણે દૂર ઊભેલો ખેલાડી પણ પડી ગયો હતો. અન્ય ખેલાડીઓ પોતાને બચાવવા માટે જમીન પર સૂઈ ગયા, જ્યારે થોડા બહારની તરફ ભાગવા લાગ્યા.
થોડા સમય બાદ અન્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત ખેલાડીની નજીક પહોંચી ગયા હતા. એ સમયે ખેલાડીનો શ્વાસ ચાલતો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
છેલ્લા 12 મહિનામાં વીજળી પડવાની બીજી ઘટના
છેલ્લા 12 મહિનામાં આ બીજી વખત છે, જ્યારે ઈન્ડોનેશિયાના ફૂટબોલર પર વીજળી પડી હોય. 2023માં સોરાટિન U-13 કપ દરમિયાન પૂર્વ જાવાના બોજોંગોરોમાં એક ફૂટબોલર પર વીજળી ત્રાટકી હતી. કાર્ડિયાક અરેસ્ટથી પીડિત ખેલાડીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 20 મિનિટની કોશિશ બાદ ડોક્ટરો તેને ભાનમાં લાવવામાં સફળ રહ્યા હતા. મેદાન પર હાજર અન્ય છ ખેલાડી પર પણ વીજળી પડી હતી અને બાદમાં તેમને હોસ્પિટલમાં સમય પસાર કરવો પડ્યો હતો.