ચોમાસાનો પ્રથમ મહિનો જૂન હવે સમાપ્ત થયો એટલે કે ચોમાસાનો ચોથો ભાગ પસાર થયા પછી દેશમાં 10.9% વરસાદની ઘટ સર્જાઈ છે. સામાન્ય રીતે 165.3 મિમી વરસાદ પડવો જોઈતો હતો પરંતુ 30 જૂન સુધી માત્ર 147.2 મિમી વરસાદ નોંધાયો છે.
8થી 26 જૂન વચ્ચે સતત સામાન્યથી ઓછો વરસાદ થયો, ખાસ કરીને 10થી 18 જૂન વચ્ચે વરસાદમાં ભારે અછત સર્જાઈ. 19 જૂનથી વરસાદમાં સુધારો આવ્યો અને છેલ્લા ચાર દિવસમાં ભારે વરસાદ થયો જેના લીધે 26 જૂને વરસાદમાં જે 20% ઘટ હતી તે 30 જૂને માત્ર 10.9% થઈ હતી.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશનાં 20 મોટાં રાજ્યોમાંથી માત્ર 4 રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 10 રાજ્યમાં સામાન્ય અને 10માં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
ચોમાસાને પ્રભાવિત કરતા મુખ્ય પરિબળોમાંનું એક મેડન જુલિયન ઓસિલેશન (એમજેઓ) જૂનની શરૂઆતમાં ખૂબ જ નબળું હતું અને જૂનના અંત સુધીમાં તે મજબૂત બન્યું અને હિન્દ મહાસાગર તરફ આગળ વધ્યું.