વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા દેશ ચીનમાં બધુ ઠીક નથી. દેશમાં 2008 જેવી મંદીના લક્ષણ જોવા મળી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ચીને અર્થતંત્રને ગતિ આપવા માટે વર્ષ 2020ના લૉકડાઉનની માફક સ્ટીમ્યૂલસની જાહેરાત કરી છે. દેશનું રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ બે વર્ષમાં 82% ઘટ્યું છે. દેશમાં 1999 બાદ સૌથી મોટું ડિફ્લેશન ચાલી રહ્યું છે. બેરોજગારીનો દર અનેક દાયકાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યો છે. અમેરિકાની સાથે તણાવ ચરમસીમાએ છે અને શેરમાર્કેટની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે. અહીં સવાલ એ છે કે ચીન વૈશ્વિક અર્થતંત્રને મંદીની તરફ લઇ જઇ રહ્યું છે?
ચીનના અર્થતંત્રમાં સૌથી મોટી સમસ્યા રિયલ એસ્ટેટની છે. દેશના અર્થતંત્રમાં તેનો અંદાજે એક તૃતીયાંશ હિસ્સો છે પરંતુ છેલ્લા અનેક વર્ષોથી આ સંકટ મોટા સંકટ સામે ઝઝુમી રહ્યું છે. તેની શરૂઆત વર્ષ 2021માં એ સમયે થઇ હતી જ્યારે દેશની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાંથી એક એવરગ્રેંડ ડૂબી ગઇ હતી. જેને કારણે છેલ્લા બે વર્ષમાં દેશનો રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ 82% ઘટીને 2008ના સ્તરે પહોંચી ચૂક્યો છે. રિયલ એસ્ટેટ સેક્ટર ડૂબવાથી બેન્કિંગ સેક્ટર પર પણ ખતરો મંડરાઇ રહ્યો છે. તેનું કારણ એ છે કે ચીનની બેન્કોએ રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટા પાયે રોકાણ કર્યું છે.