સાધારણ ઘટના:અપરિણીત સર્ગભાની પ્રસુતિ માટે સુપ્રીમનો અસાધારણ સત્તાનો ઉપયોગ
નવી દિલ્હી2 કલાક પહેલા
20 વર્ષની સગર્ભાએ ગર્ભપાત માટે સુપ્રીમમાં અપીલ કરી હતી
એક પણ રૂપિયો લીધા વિના પ્રસૂતિ, યુવતીની ઓળખ ગુપ્ત રાખવાનો આદેશ
એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી 20 વર્ષીય સગર્ભા યુવતીએ 30 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે સુપ્રીમકોર્ટની મંજૂરી માગી હતી. ગુરુવારે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ સહિતના જજ અને સોલિસિટર જનરલના પ્રયાસો બાદ યુવતી બાળકને જન્મ આપવા માટે તૈયાર થઈ હતી.
દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે સુરક્ષિત રીતે પ્રસુતિ કરવાનો આદેશ આપ્યો હતો. એઇમ્સે રિપોર્ટમાં જણાવ્યું હતું કે વધુ સપ્તાહ થઈ ગયા હોવાથી ગર્ભપાત માતા માટે અસુરક્ષિત છે.
સમગ્ર ઘટનાની સંવેદનશીલતા અને ગુપ્તતાને ધ્યાનમાં રાખતા સુપ્રીમકોર્ટની બેન્ચે યુવતીને ચીફ જસ્ટિસની ઑફિસમાં બોલાવી હતી. જ્યાં સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી તથા વકીલની હાજરીમાં યુવતીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવતીએ કહ્યું હતું કે તે અપરણિતી હોવાથી ડિલિવરી બાદ બાળકની દેખભાળ રાખી શકે એમ નથી. બાદમાં બંધારણની કલમ 142 હેઠળ પ્રાપ્ત અસાધારણ સત્તાનો ઉપયોગ કરતા સુપ્રીમકોર્ટે યુવતીની ઓળખ જાહેર થાય નહીં એ રીતે બાળકની ડિલિવરી કરવાનો એઇમ્સને આદેશ આપ્યો હતો.