પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચે સીમાવિવાદ ચાલુ છે. આ દરમિયાન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વીડિયો કોલ દ્વારા LAC પર તહેનાત પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકો સાથે વાતચીત કરી અને સૈન્ય તૈયારીઓની સમીક્ષા કરી. રાષ્ટ્રપતિ શી જિનપિંગએ પીપલ્સ લિબરેશન આર્મીના હેડક્વાર્ટર શિનજ્યાંગથી ખંજરાબમાં સીમા પર તહેનાત સૈનિકોને સંબોધન કર્યું હતું. તેની જાણકારી ચીનની સત્તાવાર મીડિયાએ શુક્રવારે આપી હતી.
ચીનના પ્રમુખ સત્તાધીશ કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ અને પીએલએના પ્રમુખ પણ છે. એક અહેવાલ અનુસાર વીડિયો કોલ દરમિયાન તેમણે સૈન્યની લડાઇની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતુ. સત્તાવાર મીડિયામાં દર્શાવેલા વીડિયો અનુસાર, જિનપિંગે સૈનિકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, કેવી રીતે હાલના વર્ષોમાં ક્ષેત્રમાં સતત બદલાવ થઈ રહ્યા છે, અને કયા પ્રકારે તેનાથી સેનાને અસર પહોંચી રહી છે. પૂર્વી લદ્દાખના પેંગોંગમાં 5 મે 2020ના રોજ ભારતીય સેનાની ચીનની સેના સાથે હિંસક અથડામણ થઈ હતી.