ઋષિ સુનકને બ્રિટનના આગામી પીએમ બનવા નક્કી માનવામાં આવી રહ્યા છે. સોમવારે સાંજે 6.30 વાગ્યે પરિણામ આપણી સમક્ષ આવી જશે. પ્રધાનમંત્રી લિઝ ટ્રસ્ટના રાજીનામા પછી બોરિસ જોનસન, ઋષિ સુનક અને પેની મૉરડૉન્ટનાં નામ સામે આવ્યાં છે. રવિવારે બોરિસ જોનસન રેસમાંથી બહાર થઈ ગયા અને હવે માત્ર બે દાવેદાર જ રહ્યા છે.
બ્રિટનની સંસદમાં 357 સાંસદ છે. ચૂંટણીના નવા નિયમ અનુસાર, પ્રધાનમંત્રી બનવા 100થી વધુ સાંસદોનું સમર્થન હોવું જરૂરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સુનકને 155 સાંસદોનું સમર્થન છે. બીજી તરફ પેની મૉરડૉન્ટ માત્ર 25 સાંસદોનું સમર્થન મેળવી શકી છે. આ માટે આજે પાર્ટીના સભ્યો બેલેટથી નહીં પણ ઓનલાઈન વોટિંગ કરશે.
28 ઓક્ટોબરે બ્રિટનના નવા પ્રધાનમંત્રી શપથ લેશે. ત્યાર પછી 29 ઓક્ટોબરે નવી કેબિનેટ રચવામાં આવશે. બોરિસ જોનસને પ્રધાનમંત્રીની રેસમાંથી પોતાનું નામ પરત લેતાં પહેલાં કહ્યું હતું કે, તેમની પાસે 60 સાંસદોનું સમર્થન છે. બોરિસે પીછેહઠ કરતા કહ્યું કે, જો પાર્ટી સંસદમાં એકજૂથ નહીં થાય તો સરકાર સારી રીતે ચલાવી શકાશે નહીં. અમે ચૂંટાયેલા પીએમને સમર્થન આપીશું.
22 ઓક્ટોબરે સુનક-જોનસન મળ્યા હતા, સહમતી થઈ નહોતી. બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને તેમની સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા ઋષિ સુનકે 22 ઓક્ટોબરે મોડી રાત સુધી વાતચીત કરી હતી. આ પછી સુનકે પીએમ ચૂંટણી લડવાની જાહેરાત કરી. જોનસને ઉમેદવાર પેની મોર્ડોન્ટ સાથે પણ વાટાઘાટો કરી હતી, પરંતુ કોઈ પરસ્પર કરાર થયો ન હતો. ત્યારબાદ તેણે પીછેહઠ કરવાનો નિર્ણય કર્યો.