વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો અને વૈશ્વિક શેરબજારો ઉછળા તરફી નોંધાતા છેલ્લા પાંચ મહિનામાં શેરોમાં સતત મોટા ધોવાણ બાદ હવે ઓવરસોલ્ડ પોઝિશન સાથે વેલ્યુએશન ખર્ચાળમાંથી પોઝિટીવ બનવા લાગ્યું હોવા સાથે નાણા વર્ષ 2024-25ના અંત પૂર્વે ફંડો દ્વારા શેરોમાં મોટાપાયે ખરીદી કરતાં અને ફોરેન ફંડો - વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઘણા દિવસો બાદ શેરોમાં નેટ ખરીદદાર બન્યા સાથે લોકલ ફંડોની શેરોમાં સતત ખરીદી થતાં આજે ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
એક તરફ ટ્રમ્પની આકરી ટેરિફ નીતિ સામે વિશ્વ એક બનતાં ટ્રમ્પ નરમ પડયાના સંકેત અને બીજી તરફ ફરી ઈઝરાયેલના હમાસ પર હુમલા અને રશીયા પણ યુક્રેન સાથે યુદ્વ અંત માટે આકરી શરતો વચ્ચે ટ્રમ્પ-પુતિન વચ્ચે વટાઘાટ પર નજર સાથે ચાઈનાના સ્ટીમ્યુલસ પેકેજના સંકેત તેમજ વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ઈઝરાયલ દ્વારા ગાઝામાં હુમલા વચ્ચે રેડસી વિસ્તારોમાં તણાવ વધતાં ઉપરાંત બોન્ડ યીલ્ડમાં પીછેહટના પગલે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.28% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.17% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી, એફએમસીજી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4166 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1033 અને વધનારની સંખ્યા 3018 રહી હતી, 115 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 18 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.