ખેડા જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં વારંવાર ધાર્મિક અને રાજકીય ઝંડાઓને લઈ થતા વિવાદને ઉકેલવા પોલીસે સુંદર ઉપાય શોધી નાખ્યો છે. લોકોને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ તરફ દોરવાના પ્રયાસ રૂપે જાહેર મિલકતો પર ધાર્મિક ઝંડીઓને સ્થાને તિરંગો લગાવવાની પ્રણાલી શરૂ કરવામાં આવશે. તાજેતરમાં મહુધા ખાતે ધાર્મિક પ્રસંગને લઈ લગાવાઈ રહેલ ધાર્મિક ઝંડીઓને કારણે વિવાદ થયો હતો. જેના પગલે બંને કોમના આગેવાનોની સ્થાનિક પોલીસ મથકે મિટિંગ યોજવામાં આવી હતી. જે બાદ બંને પક્ષ દ્વારા હવે થી જાહેરમાં ધાર્મિક ઝંડીઓ નહી લગાવવા કરાર કર્યો હતો.
ખેડાના મહુધામાં આવનાર ઈદે મિલાદના તહેવારને લઇ તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન મહુધા રેસ્ટ હાઉસ પરથી પાસરા થતા મુખ્ય માર્ગો પર ધાર્મિક પ્રતીકના ઝંડા મામલે છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. ગૂરૂવારે રાત્રે પણ આજ પ્રકારનો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા પોલીસના ધાડેધાડા સ્થળ પર ઉતરી ગયા હતા. અને પરિસ્થિતિ વણસે તે પહેલા કાબુ મેળવ્યો હતો. જે બાદ બંને કોમના આગેવાનો સાથે પોલીસે બેઠક કરી હતી, જેમાં કોઈપણ જાહેર સ્થળ પર કોઈપણ ધર્મના ઝંડા લગાવવા નહી, તેવો નિર્ણય લેવાયો હતો.