બ્રિટનમાં સત્તા પરિવર્તન થયું હતું. શાસક કન્ઝર્વેટિવ પાર્ટી 14 વર્ષ પછી લેબર પાર્ટી સામે ચૂંટણી હારી ગઈ. થોડા કલાકો બાદ ભારતીય મૂળના ઋષિ સુનકે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લેબર પાર્ટીના 61 વર્ષીય કીર સ્ટારમર દેશના 58મા વડાપ્રધાન બન્યા છે. સુનકે હાર સ્વીકારી અને પાર્ટીની માફી માગી હતી. તેમણે સ્ટારમરને પણ ફોન કરીને જીત માટે અભિનંદન પાઠવ્યાં હતાં. સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને બમ્પર જીત મળી છે. પાર્ટીએ કુલ 650માંથી 412 સીટ જીતી છે. સરકાર બનાવવા માટે 326 સીટની જરૂર છે. બીજી તરફ કન્ઝર્વેટિવને 120 બેઠક મળી હતી. છેલ્લાં 200 વર્ષમાં કન્ઝર્વેટિવ પાર્ટીની આ સૌથી મોટી હાર છે.
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, કિંગ ચાર્લ્સ કીર સ્ટારમરને પસંદ કરે છે. ક્લાઈમેટ ચેન્જ, ઈમિગ્રેશન, યુરોપિયન યુનિયન સાથેના સંબંધો જેવા મુદ્દાઓ પર બંનેના વિચારો સમાન છે.
શાહી પરિવાર પર સંશોધન કરનાર ઈતિહાસકાર એડ ઓવેન્સે ટાઈમ્સને જણાવ્યું કે, કિંગની લાંબા સમયથી અનેક સામાજિક મુદ્દાઓ પર નજર હતી. સ્ટારમર સરકાર આના પર ધ્યાન આપશે.
બકિંગહામ પેલેસ સાથે જોડાયેલા કેટલાક લોકોએ કહ્યું કે, બંને વચ્ચે લાંબા સમયથી સારા સંબંધો છે. 2014 માં સ્ટારમરને ફોજદારી ન્યાય માટેના તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે બકિંગહામ પેલેસ તરફથી નાઈટહૂડ એવોર્ડ આપવામાં આવ્યો હતો.