દેશમાં વપરાશને વેગ આપવા માટે નાણાવર્ષ 2025ના સામાન્ય બજેટમાં ઓછી આવક ધરાવતા વર્ગ પર ટેક્સને લગતી રાહતો આપવામાં આવે તે જરૂરી હોવાનો અભિપ્રાય ઉદ્યોગોના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો. 23 જુલાઇના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરશે, જે નવી સરકારનું પહેલું અંદાજપત્ર હશે.
ઉદ્યોગના પ્રતિનિધિઓએ નાણા મંત્રીને કોર્પોરેટ ટેક્સ ઘટાડવા, ટેક્સમાંથી મુક્તિનું અમલીકરણ કરવા તેમજ આર્થિક વૃદ્ધિ માટે ટેક્સ બેઝને વધારવા માટે પણ અનુરોધ કર્યો હતો. એસોચેમે જણાવ્યું હતું કે અનુપાલન સુધારવા તેમજ રોકાણને વેગ આપવા માટે ટેક્સ સિસ્ટમને વધુ સરળ અને તર્કસંગત બનાવવી પડશે.
ઇકરાએ જણાવ્યું હતું કે સરકાર નાણાકીય વર્ષ 2025 માટે જીડીપીના 4.9-5%ની રાજકોષીય ખાદનો લક્ષ્યાંક ધરાવે છે, જેનો અંદાજ 1 ફેબ્રુ.ના રોજ જાહેર થયેલા બજેટમાં 5.1% કરવામાં આવ્યો હતો. જેમાં રૂ.11.1 લાખ કરોડના મૂડીખર્ચના લક્ષ્યાંકનો પણ સમાવેશ થાય છે.