18 જૂન 2024.અરરિયા જિલ્લાથી પુલો ધરાશાયી થવાનો સિલસિલો શરૂ થયા બાદ હવે મોતિહારી, મધુબનીથી લઇને સારણ-સિવાન જિલ્લા સુધી પહોંચી ગયો છે. જાણે કે રેતીની દીવાલથી બનેલા હોય તે રીતે પુલ તૂટી રહ્યા છે. જેનું મોટું કારણ ભ્રષ્ટાચાર અને બેદરકારી છે. કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવાની નિયત અને ગુણવત્તાને બદલે ખર્ચને આધારિત પુલના નિર્માણની નીતિથી એક પછી એક પુલ ધરાશાયી થઇ રહ્યાં છે. સારણ-સિવાનની નહેરો પર બનેલા 20-30 વર્ષ જૂના પુલ તો લાપરવાહીને કારણે જ તૂટ્યા છે. પુલના નિર્માણ સાથે જોડાયેલા નિષ્ણાતોનો પણ આ જ મત છે. પરંતુ ગ્રામીણ બાબતોના વિભાગના અરરિયા, મધુબની અને મોતિહારીના 3 નિર્માણાધીન પુલ સુપરવિઝનનો અભાવ, ખરાબ ગુણવત્તા અને ખર્ચ આધારિત નિર્માણની ખોટી નીતિને કારણે ધરાશાયી થયા છે. વરસાદમાં નદી-નહેરો પર 15 જૂન બાદથી પુલના નિર્માણ પર રોક હોવા છતાં કામ જારી રહ્યું હતું. આ એન્જિનિયરો-કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠનું સાબિત થયેલું દ્રષ્ટાંત છે. ભ્રષ્ટાચારનો પણ ઇનકાર કરી શકાય નહીં.
દિલ્હી અને હૈદરાબાદની ઇન્ડિયન રિસર્ચ કંટ્રોલ ટીમના તપાસ રિપોર્ટમાં ખુલાસો થયો કે પુલના પિલરનું પાયલિંગ 40 મીટર નહીં, 20 મીટર જ હતું. બકરા નદીનું વહેણ ત્રીજી વાર બદલાયું ત્યારે પુલની લંબાઇ પણ વધી. ત્રીજા પુલના પાયાનું પાયલિંગ 20 મીટર જ કરાયું હતું. જેનો હિસ્સો જ ધરાશાયી થયો.