શેરમાર્કેટમાં પ્રવેશ કરનારા રોકાણકારોની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. દેશમાં અત્યારે કુલ 17 કરોડ ડીમેટ એકાઉન્ટ છે, જે ડિસેમ્બર 2023 સુધી 13.9 કરોડ હતા. માર્ચ 2020માં તો આ આંકડો માત્ર 4 કરોડ જ હતો એટલે કે માત્ર 4 વર્ષમાં જ 4 ગણો વધારો થયો છે. તેની અસર એ થઇ છે કે માર્કેટમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારોનો હિસ્સો હવે પલટી ગયો છે.
આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટની વચ્ચે રૂ.4.67 લાખ કરોડનું રોકાણ થયું. તેમાં સર્વાધિક 3.1 લાખ કરોડનું રોકાણ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (DII)એ કર્યું છે. જ્યારે સામાન્ય રોકાણકારોએ રૂ.1.14 કરોડના શેર્સ ખરીદ કર્યા છે. જ્યારે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ માત્ર રૂ.42,886 કરોડનું રોકાણ કર્યું હતું. એટલે કે કુલ રોકાણમાં DIIનો હિસ્સો 66.38%, રિટેલ રોકાણકારોનો 24.41% અને FIIનો માત્ર 9.21% રહ્યો હતો. આ હિસાબે વિદેશી રોકાણકારોની તુલનામાં સ્થાનિક રોકાણકારોએ અંદાજે દસ ગણું વધારે રોકાણ કર્યું છે. જ્યારે, માત્ર એક વર્ષ પહેલાં 2023માં FIIએ 9.1 લાખ કરોડ, DIIએ 1.8 લાખ કરોડ અને રિટેલ રોકાણકારોએ રૂ.5.2 હજાર કરોડના શેર્સની ખરીદી કરી હતી.