હજુ બેન્કોની સુવિધા પહોંચી નથી તેવા ગ્રામીણ વિસ્તારના ખેડૂતો માટે કૃષિ ધિરાણ મંડળીઓ જ “લાઈફ લાઇન’ બની છે. છતાં ગુજરાત રાજ્યની સ્થાપનાના 64 વર્ષ પછી પણ 17% ગામ એવાં છે જ્યાં હજુ કૃષિ ધિરાણ મંડળી (PACS) અસ્તિત્વમાં નથી. રાજ્યમાં હાલ 10,266 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી છે.આ બાબત કેન્દ્રીય સહકાર મંત્રાલય દ્વારા સૌપ્રથમવાર તૈયાર કરાયેલા નેશનલ કો-ઓપરેટિવ ડેટાબેઝ 2023 રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ મુજબ, રાજ્યમાં સૌથી વધુ કૃષિ ધિરાણ મંડળી નહીં ધરાવતા જિલ્લામાં પંચમહાલ મોખરે છે, અહીં 60% ગામોમાં મંડળી નથી. સંખ્યાની દ્રષ્ટીએ રાજ્યમાં સૌથી વધુ 1935 કૃષિ ધિરાણ મંડળી બનાસકાંઠા જિલ્લામાં છે. સૌથી ઓછી 57 ડાંગમાં છે.
રાજ્યમાં સૌથી વધુ કૃષિ ધિરાણ મંડળીઓનો લાભ જે 10 જિલ્લાના ગામોને મળી રહ્યો છે તેમાં અમદાવાદ (99%), બનાસકાંઠા (98%), છોટાઉદેપુર અને નર્મદા (96%), રાજકોટ (95%), તાપી (94%), અરવલ્લી (93%), વલસાડ અને ડાંગ (92%) તેમજ મહેસાણા જિલ્લા (91%)નો સમાવેશ થાય છે.